સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં મોટી ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે શૂટરોના મોડ્યુલ હેડ સહિત બે મુખ્ય શૂટરોની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ માહિતી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બે ધરપકડો સિવાય પોલીસે અન્ય એક શૂટરની પણ ધરપકડ કરી છે.

પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ જાણીતા પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ તેમને ગોળીઓ મારીને પતાવી દીધા હતા. અહેવાલો અનુસાર હુમલાખોરો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હતો.

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો મુખ્ય આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પંજાબ પોલીસની કસ્ટડીમાં છે. 14 જૂને પંજાબ પોલીસે લોરેન્સની ધરપકડ કરી અને તેને એક દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર પંજાબ લઈ ગઈ હતી. પંજાબ પોલીસે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દલીલ કરી હતી કે, તેની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ મુખ્ય હુમલાખોર છે અને તેની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે.