કર્ણાટકના બિદરમાં દુ:ખદ માર્ગ અકસ્માત, ઓટો રિક્ષા-ટ્રકની ટક્કરમાં સાત મહિલાઓના મોત, 11 ઈજાગ્રસ્ત

કર્ણાટકના બિદરમાં મોડી રાત્રીના એક માર્ગ અકસ્માત થયો હતો. આ ઘટનામાં સાત મહિલાઓના મોત થયા છે, જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચે સામ-સામે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તમામની સારવાર કરવામાં આવી રહી છે. મામલો બિદરના ચિત્તગુપ્પા તાલુકાના એક ગામનો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામેલી તમામ મહિલાઓ મજૂર હતી અને કામ પતાવી ઓટો રિક્ષા દ્વારા ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન બરમલખેડા સરકારી શાળા પાસે એક ઓટો રિક્ષા ટ્રક સાથે ટકરાઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું છે કે, મૃતકોની ઓળખ પાર્વતી (40), પ્રભાવતી (36), ગુંડમ્મા (60), યદમ્મા (40), જગમ્મા (34), ઈશ્વરમ્મા (55) અને રૂકમણી બાઈ (60) તરીકે થઈ છે.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 11 માં બંને વાહનોના ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત પૈકી બેની હાલત ગંભીર છે. કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. મૃતકોની ઓળખ થયા બાદ તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.