સીએમ અશોક ગેહલોત ઉદયપુરમાં મૃતક કન્હૈયાલાલના ઘરે પહોંચ્યા હોવાની જાણકારી સામે અવી છે. જ્યાં તેઓ પીડિત પરિવારને મળ્યા અને તેમને સાંત્વના પાઠવી હતી. CM અશોક ગેહલોત દ્વારા કન્હૈયાલાલના પરિવારને 51 લાખનો ચેક આપવામાં આવ્યો છે.

આ દરમિયાન સીએમ ગેહલોતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, NIA ને આ કેસમાં એક મહિનામાં ઝડપથી સજા મળવી જોઈએ. કન્હૈયાને સુરક્ષા આપવામાં આવી કે નહીં, શું ઉણપ રહી હતી તે તપાસમાં બહાર આવશે. આપણે NIA ની તપાસ પર વિશ્વાસ રાખવો જોઈએ. તપાસ નિષ્પક્ષ હશે. અમે સંપૂર્ણ સહકાર આપીશું.

બીજી તરફ ઉદેપુર હત્યાકાંડના વિરોધમાં સર્વ સમાજ વતી ગુરુવારે મૌન સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ટાઉનહોલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. કલેક્ટર કચેરીથી પરત ફરતી વખતે કેટલાક યુવકોએ દિલ્હી ગેટ ચોકડી પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ પોલીસે લોકોને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો.

ઉદયપુરમાં મૌન શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હત્યાના વિરોધમાં લોકો હાથમાં ત્રિરંગો અને ભગવા ઝંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘણા લોકોએ પોસ્ટર દ્વારા આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી હતી. જોકે, શોભાયાત્રા દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા બનાવો બન્યા હોવાના અહેવાલ છે. એક ઢાબા સળગાવી દેવામાં આવ્યો હતો. એક મંદિરને પણ નુકસાન થયું છે.