છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,313 નવા દર્દીઓ સામે આવ્યા છે. આ દરમિયાન 38 દર્દીઓના મોત થયા હતા. સક્રિય કેસ 83,990 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં દૈનિક ચેપ દર હાલમાં 2.03 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કેસોની વધતી સંખ્યાને લઈને નિષ્ણાતોની કોર ટીમ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે.

બુધવારના આંકડાઓની સરખામણીમાં દૈનિક ચેપ દર 3.94 ટકાથી ઘટીને 2.03 પર આવી ગયો છે. જો કે ગઈકાલ કરતાં આજે વધુ નવા કેસ મળી આવ્યા છે. બુધવારે 12,249 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે મંગળવારે 9,923 કેસ નોંધાયા હતા. બુધવારની સરખામણીમાં મૃત્યુઆંક પણ બમણો વધી ગયો છે. બુધવારે 13 લોકોના મોત થયા હતા, જ્યારે ગુરુવારે સવારે અપડેટ થયેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોત થયા છે.

દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના વાયરસના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. 10 રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં 1,000 થી વધુ સક્રિય કેસ છે.

કેરળના 11, મિઝોરમમાં છ અને મહારાષ્ટ્રના પાંચ સહિત ભારતના 43 જિલ્લાઓમાં, સાપ્તાહિક કોવિડ ચેપનો દર 10 ટકાથી વધુ છે. સૂત્રોએ જણાવ્યું કે 42 જિલ્લાઓમાં, જેમાં રાજસ્થાનના આઠ, દિલ્હીમાં પાંચ અને તમિલનાડુના ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે, સાપ્તાહિક ચેપ દર 5 થી 10 ટકાની વચ્ચે છે.