પશ્ચિમ બંગાળમાં વિધાનસભામાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે અત્યાર સુધી રોડ પર ચાલી રહેલી અથડામણ સોમવારના વિધાનસભામાં પણ જોવા મળી હતી. બીરભૂમ હિંસા કેસમાં બંને પક્ષોના નેતાઓ એકબીજા સાથે બાખડી પડ્યા હતા. લાંબા સમય સુધી હંગામો ચાલ્યો હતો. ભાજપનું કહેવું છે કે, તેમના ધારાસભ્યો પર હુમલો કરવામાં આવ્યો છે.

ભાજપના રાષ્ટ્રીય આઈટી વિભાગના પ્રભારી અને પશ્ચિમ બંગાળના સહ પ્રભારી અમિત માલવિયા દ્વારા આ હંગામાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને પક્ષના નેતાઓ વચ્ચેની ઘર્ષણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. બંને પક્ષના નેતાઓ એકબીજા સાથે ધક્કામુક્કી અને ઝપાઝપી કરી રહ્યા છે.

આ હંગામા બાદ ભાજપના ધારાસભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરીને વિધાનસભાની બહાર ધરણા પર બેસી ગયા હતા. ભાજપના શુભેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે, તેમના ધારાસભ્યો પર હુમલો કરવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓએ તેમને પણ ધક્કો માર્યો છે. કેટલાક ધારાસભ્યોના કપડાં પણ ફાટી ગયા છે. ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગાની સાથે વધુ મારપીટ કરવામાં આવી હતી.

જ્યારે આ હંગામા બાદ ટીએમસીએ ભાજપના ધારાસભ્યો પર હિંસક હોવાનો આરોપ લગાવ્યો છે. ટીએમસીનું કહેવું છે કે, આ અથડામણમાં ટીએમસી ધારાસભ્ય અસિત મજુમદારને પણ નાકમાં ઈજા થઈ હોવાના અહેવાલ છે. તેને SSKM મોકલવામાં આવ્યા છે.