કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ED ની પૂછપરછ સામે પક્ષના નેતાઓનો વિરોધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીમાં યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. કોંગ્રેસે વિડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો હતો કે, પોલીસ કર્મચારીઓએ શ્રીનિવાસની અટકાયત દરમિયાન તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસ કર્મચારીઓ શ્રીનિવાસને ઘેરી લીધા છે અને આ દરમિયાન એક અધિકારી તેના વાળ પણ ખેંચી રહ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, અમે કર્મચારીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઓળખ બાદ કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

શ્રીનિવાસે ટ્વિટર પર લખ્યું છે કે, “સ્વતંત્ર ભારતમાં, જો કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમના પોતાના AICC હેડક્વાર્ટરની બહાર પણ ન આવી શકે, તો લોકશાહીનો અર્થ શું છે? સરમુખત્યાર શા માટે આટલો ડરે છે?

નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય એજન્સી ED સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી છે. જેના વિરોધમાં કોંગ્રેસ રોડથી સંસદ સુધી વિરોધ પ્રદર્શન કરી રહી છે. દિલ્હીમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય ઘણા સાંસદોએ સંસદ ભવનથી રેલી કાઢી હતી. જો કે, વિજય ચોક ખાતે પોલીસે આ આગેવાનોને રોકીને કસ્ટડીમાં લઇ લીધા હતા.