તેલંગાણાના મુનુગોડે વિધાનસભા ક્ષેત્રમાં પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. આ સંદર્ભે, સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને વિપક્ષ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે શનિવારે આ સીટ પરથી કોમાતિરેડ્ડી રાજ ગોપાલ રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે.

રેડ્ડીએ ઓગસ્ટમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેઓ મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય હતા અને તેમના રાજીનામાથી પેટાચૂંટણીની જરૂર પડી હતી. TRS, જેણે હાલમાં તેનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) રાખ્યું છે, તેણે ભૂતપૂર્વ ધારાસભ્ય કુસુકુંતલા પ્રભાકર રેડ્ડીને તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

રેડ્ડીને ગેરલાયક ઠેરવવાની માંગ

TRSએ ભાજપના ઉમેદવાર રેડ્ડીને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. શાસક પક્ષનો દાવો છે કે રેડ્ડીએ રૂ. 18,000 કરોડનો કોલસા ખાણનો કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ પક્ષપલટો કર્યો હતો. TRS નેતાઓનું કહેવું છે કે રેડ્ડીના પરિવારની કંપનીને કેન્દ્ર સરકાર તરફથી હજારો કરોડ રૂપિયાનો આ કોન્ટ્રાક્ટ મળ્યો છે.

‘રેડ્ડીએ પોતે સ્વીકારી છે આ વાત’

ટીઆરએસનું પ્રતિનિધિમંડળ રવિવારે મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજને મળ્યું અને રેડ્ડીને ગેરલાયક ઠેરવવાની માંગ કરતો પત્ર સોંપ્યો. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોમાતિરેડ્ડી રાજગોપાલ રેડ્ડીએ એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન સ્વીકાર્યું હતું કે તેમને કોંગ્રેસ સાથે હતા ત્યારે કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.

14 ઓક્ટોબર છે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ

કોંગ્રેસે આ પેટાચૂંટણી માટે પલવાઈ શ્રવંતીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. પક્ષોના નેતાઓ વચ્ચેના શબ્દયુદ્ધથી રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. પેટાચૂંટણી માટેનું જાહેરનામું 7 ઓક્ટોબરે બહાર પાડવામાં આવ્યું હતું અને નામાંકન ભરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર છે. તમામ બેઠકોની મતગણતરી 6 નવેમ્બરે થશે.