કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે 31મો દિવસ છે. તામિલનાડુથી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા હવે કર્ણાટકના પ્રવાસે છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે તુમકુરના માયાસંદરાથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.

અગાઉ મંડ્યા જિલ્લાના મલ્લેનાહલ્લીથી ભારત જોડો યાત્રાના 30મા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ સ્થાનિક લોકો સાથે વાતચીત પણ કરી હતી.

જણાવી દઈએ કે ગુરુવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં નિકળેલી ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન સોનિયા ગાંધી પણ તેમના પુત્ર રાહુલ ગાંધી સાથે પગપાળા ચાલી ગયા હતા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની તસ્વીર પણ સોશિયલ મીડિયા પર છવાયેલ છે. જેમાં રાહુલ ગાંધી માતાના જૂતાની ફીત બાંધતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ તસવીરની ખૂબ પ્રશંસા થઈ હતી.

પદ યાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચી હતી

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. આ પદયાત્રા પાંચ મહિનામાં 12 રાજ્યોને આવરી લેશે. ભારત જોડો યાત્રા 30 સપ્ટેમ્બરે તેના કર્ણાટક તબક્કામાં પ્રવેશી છે. આ પદયાત્રા ઉત્તર ભારત તરફ પ્રયાણ કરતા પહેલા 21 દિવસ કર્ણાટકના પ્રવાસે રહેશે.