શુક્રવારે રાજ્યસભાની 16 બેઠકો માટે મતદાન થયું હતું. મત ગણતરી બાદ કર્ણાટકમાં ભાજપને ત્રણ અને કોંગ્રેસને એક બેઠક મળી છે. રાજસ્થાનમાં કોંગ્રેસને ત્રણ અને ભાજપને એક બેઠક મળી છે. હરિયાણામાં ભાજપના કૃષ્ણલાલ પંવાર અને ભાજપ-જેજેપી સમર્થિત ઉમેદવાર કાર્તિકેય શર્મા રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી જીત્યા છે. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારોને જીત મળી છે. કોંગ્રેસના નેતા ઈમરાન પ્રતાપગઢી, શિવસેનાના સંજય રાઉત અને એનસીપીના પ્રફુલ્લ પટેલ જીત્યા. શિવસેનાના સંજય પવાર ચૂંટણી હારી ગયા છે.

જાણો કેવો હતો મહારાષ્ટ્રનો માહોલ

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યસભાની ચૂંટણી પર કહ્યું, “આજે આપણા બધા માટે ખૂબ જ ખુશીની વાત છે કે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારો આવ્યા છે. પિયુષ ગોયલને સૌથી વધુ 48 વોટ મળ્યા છે, અનિલ બોંડેને પણ 48 વોટ મળ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે અમારો ત્રીજો ઉમેદવાર પણ શિવસેનાના સંજય રાઉત કરતા વધુ વોટ સાથે આવ્યો છે. આજે ભાજપની તાકાત જોવા મળી છે.

કોંગ્રેસના નેતા ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, “હું શિવસેનાના સંજય રાઉત અને NCPના પ્રફુલ્લ પટેલ સાથે જીત્યો છું. હું ધારાસભ્યોનો આભાર માનું છું. અમને દુઃખ છે કે (મહા વિકાસ અઘાડી)ના ચોથા ઉમેદવાર સંજય પવાર જીતી શક્યા નથી.

જાણો કર્ણાટકમાં શું થયું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કર્ણાટકમાં ચૂંટણી જીતી ગયા છે. ભાજપના અન્ય બે ઉમેદવારો – જગેશ અને લહરસિંહ સિરોયા – પણ રાજ્યસભામાં પહોંચવામાં સફળ રહ્યા. કોંગ્રેસના ઉમેદવાર જયરામ રમેશને પણ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. JDS ધારાસભ્ય કે શ્રીનિવાસ ગૌડાએ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાશે.