રાંદેર જહાંગીરપુરા વોર્ડના મહિલા કોર્પોરેટર નેન્સી શાહને વોર્ડ ના જ કાર્યક્રમમાં બોલાવવામાં ન આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં અન્ય ત્રણ કોર્પોરેટર ના ફોટો સાથે બેનર લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. વોર્ડ ભાજપમાં ચાલતા ડખા સપાટી ઉપર આવ્યા છે. વોર્ડ નંબર-9માં તંદુરસ્ત બાળ સ્પર્ધા અને સેનેટરી નેપકીન વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ મોરચાના પદાધિકારીઓ, સભ્યો અને ભાજપના તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહ્યા છે.

કાર્યક્રમ માટે જે બેનર લગાડવામાં આવેલા હતા તેમાં ભાજપના એક મહિલા કોર્પોરેટર નેન્સી શાહનો ફોટો જ ગાયબ થઇ ગયો હતો. તેમના નામનો પણ ઉલ્લેખ જોવા મળ્યો ન હતો. માત્ર ત્રણ કોર્પોરેટર નો જ ફોટો હોવાને લઈને કાર્યક્રમ દરમિયાન અનેક ચર્ચાઓ શરૂ થઇ ગઈ હતી. બીજી તરફ કોર્પોરેટર નેન્સી શાહ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. જયારે આ અંગે નેન્સી શાહે તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું.

વોર્ડ પ્રમુખે કહ્યું 24 લોકસભા સંસદીય વિસ્તારનો કાર્યક્રમ હોવાથી કોર્પોરેટર નેન્સી શાહનો ફોટો લગાડવામાં આવ્યો નથી. નેન્સી શાહ મોટેભાગે નવસારી લોકસભા મત વિસ્તારમાં જ કામ કરે છે. તેથી અહીં માત્ર 3 જ કોર્પોરેટરોના ફોટા લગાડવામાં આવ્યા છે.