દિલ્હી અને પંજાબમાં સત્તા મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં મજબૂત દાવો કરી રહી છે. હાલની મધ્યપ્રદેશ સ્થાનિક ચૂંટણીઓમાં પણ તેના સારા પ્રદર્શનથી પાર્ટીને પ્રોત્સાહન મળ્યું છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટી હવે દેશના મોટા ભાગોમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે. પાર્ટી આગામી 24 મહિનામાં હિમાચલથી કેરળ સુધીના નવ રાજ્યોમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે.

ETના અહેવાલ મુજબ, AAP કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મંગળવારે સંગઠનની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટી હરિયાણા, મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં જોરશોરથી લડશે, જ્યાં આગામી બે વર્ષમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે.

અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાર્ટી ગ્રામ્ય સ્તરે વિસ્તરણ માટે ‘ગ્રામ સંપર્ક અભિયાન’ શરૂ કરશે. આગામી છ મહિનામાં ગામડે ગામડે સંગઠન બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પછી બ્લોક અને જિલ્લા સ્તરે સંગઠનને મજબૂત કરવામાં આવશે. પાર્ટી મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, દલિત અને આદિવાસીઓ માટે અલગ મોરચો બનાવીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટી સંગઠનમાં યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે. નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે પાર્ટી અલગ રણનીતિ બનાવશે. પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકર્તાએ નામ ન આપવાની શરતે અખબારને કહ્યું, “આ બે રાજ્યોમાં, અમે કેટલીક એવી સીટોની ઓળખ કરી છે જ્યાં અમારું સંગઠન સારું છે અને ઉમેદવાર મજબૂત છે. અમે અહીં અમારા સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.” રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં આવતા વર્ષે ચૂંટણી યોજાશે.