સોમવારે દિલ્હીમાં નવી આબકારી નીતિ કૌભાંડના મામલામાં સીબીઆઈ દ્વારા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછને લઈને ભારે હોબાળો થયો હતો. અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે સિસોદિયાને ગુજરાત આવતા રોકવા માટે સીબીઆઈ તેમની ધરપકડ કરશે. જોકે, એવું કંઈ થયું ન હતું. બીજી તરફ મનીષ સિસોદિયા આજથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ આજે (મંગળવારે) જનસભાને સંબોધશે.

ગુજરાત પ્રવાસ પહેલા મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે હું બે દિવસ માટે ગુજરાત જઈ રહ્યો છું. આ ચૂંટણીમાં ગુજરાતનો દરેક પરિવાર એવી સરકાર પસંદ કરશે જે તેમના બાળકો માટે સારી શાળાઓ લાવશે. અરવિંદ કેજરીવાલે બાંહેધરી આપી છે કે પાંચ વર્ષમાં ગુજરાતની દરેક શાળાને દિલ્હી જેવી તેજસ્વી બનાવી દેવામાં આવશે.

 

ખરેખરમાં એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ વિરુદ્ધ આક્રમક પ્રચાર કરી રહી છે. આ દરમિયાન, CBIએ સોમવારે મનીષ સિસોદિયાની દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં પૂછપરછ કરી હતી. જયારે, આ પૂછપરછને લઈને દિલ્હીનું રાજકારણ ગરમાયું હતું અને AAP-BJPએ એકબીજા પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. સીબીઆઈ ઓફિસ જતા પહેલા સિસોદિયાએ તેમના મથુરા રોડ સ્થિત આવાસ પર માતાના આશીર્વાદ લીધા હતા. તેમની પત્નીએ પણ તેમને તિલક લગાવ્યું. આ પછી દેશભક્તિના સંગીતની વચ્ચે પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરો સિસોદિયાના કાફલામાં સામેલ થયા હતા.

ગુજરાતમાં AAPની લોકપ્રિયતાથી ભાજપ ગભરાઈ ગયું છે

આ દરમિયાન સિસોદિયાએ AAP ઓફિસમાં ત્યાં એકઠા થયેલા લોકોને સંબોધિત કરતા કહ્યું કે અમે ભગત સિંહના અનુયાયીઓ છીએ, અમે જેલ જવાથી ડરતા નથી. હું જેલમાં જાઉં તો દુઃખી ન થાઓ, તેના માટે ગર્વ અનુભવો. સીબીઆઈ ઓફિસ જતા સમયે સિસોદિયા બે જગ્યાએ રોકાયા, પહેલા તેઓ પાર્ટી હેડક્વાર્ટર ગયા અને પછી મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ ગયા. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં AAPની લોકપ્રિયતાથી ભાજપ ગભરાય છે.

સીબીઆઈ અને ભાજપ પર ગંભીર આરોપો

સાથે જ પૂછપરછ બાદ તેણે સીબીઆઈ અને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સિસોદિયાએ કહ્યું કે મારા પર AAP છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. મને દિલ્હીના મુખ્યમંત્રી પદ અથવા જેલવાસ ભોગવવાની ઓફર કરવામાં આવી હતી. જ્યારે મેં કહ્યું કે મારી સામે કોઈ કેસ નથી, ત્યારે મને કહેવામાં આવ્યું કે સત્યેન્દ્ર જૈન સામે પણ કોઈ કેસ નથી પરંતુ તે હજુ પણ જેલમાં છે. જયારે, સીબીઆઈએ સિસોદિયાના તે આરોપોને ફગાવી દીધા છે. સીબીઆઈએ કહ્યું કે એફઆઈઆરમાં લાગેલા આરોપોના આધારે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.