વડોદરામાં આપને કાર્યક્રમ કરવા માટે પાર્ટી પ્લોટ આપનાર નવનીત કાકાના ત્યાં બ્લુડોઝર પહોંચતા અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP) અને BJP વચ્ચે સતત ટક્કર જોવા મળી રહી છે. AAP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મંગળવારે જ્યાં AAP કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો ટાઉન હોલ કાર્યક્રમ યોજાયો હતો ત્યાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચી અને તોડફોડ પણ કરી હતી.
AAP નો આરોપ છે કે, VMC ની ટીમ વડોદરાના પ્રીતિ પાર્ટી પ્લોટમાં પહોંચી અને જણાવ્યું કે, પ્રીતિ પાર્ટી પ્લોટમાં રસોડું ગેરકાયદે બાંધકામ છે, તેમના દ્વારા તે તોડવા આવેલ છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે આ કાર્યવાહી અરવિંદ કેજરીવાલને કાર્યક્રમ માટે જગ્યા આપવા પર કરવામાં આવી રહી છે.
સીએમ અરવિંદ કેજરીવાલે પણ આ અંગે ટ્વિટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું છે કે, “નવનીત કાકા જેમણે અમને વડોદરામાં ગુજરાતના બાળકોના શિક્ષણ વિશે વાત કરવા માટે તેમનો પાર્ટી હોલ આપ્યો હતો. આજે ભાજપ સરકાર તેમની સંપત્તિનો નાશ કરવા બુલડોઝર સાથે પહોંચી ગઈ છે. શું આ ગુંડાગીરીથી દેશ ચાલશે? આ વખતે? ગુજરાતની જનતા આ ગુંડાગીરીનો જવાબ તેમના વોટથી આપશે.”
વડોદરામાં અરવિંદ કેજરીવાલના આ કાર્યક્રમ માટે સ્થળ મેળવવામાં આમ આદમી પાર્ટીને ઘણી મુશ્કેલી પડી હતી. પાર્ટી તરફથી એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ભાજપ સરકારના દબાણને કારણે આમ આદમી પાર્ટીને તેના કાર્યક્રમો માટે જગ્યા આપવામાં આવી રહી નથી. ગુજરાત પ્રવાસ પહેલા સીએમ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તેમને કાર્યક્રમ કરતા રોકવામાં આવી રહ્યા છે.