ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ તેજ કરી દીધી છે. AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 21 જુલાઈએ ગુજરાતના સુરતની મુલાકાતે આવશે. આ દરમિયાન કેજરીવાલ ગુજરાતની જનતા માટે પ્રથમ ગેરંટી જાહેર કરશે.

ખરેખરમાં પંજાબમાં સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટીના ઉત્સાહમાં વધારો થયો છે. પાર્ટી ગુજરાત અને રાજસ્થાનમાં પ્રવેશ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. આ માટે AAPના નેતાઓ સતત ‘દિલ્હી મોડલ’ને લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. આ ક્રમમાં અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે જઈ રહ્યા છે. સૂત્રોનું માનીએ તો આ સમય દરમિયાન કેજરીવાલ ગુજરાતને લઈને ઘણા મોટા વચનો આપી શકે છે.

જણાવી દઈએ કે ગયા મહિને આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 6098 પદાધિકારીઓના નામની જાહેરાત કરી હતી. પદાધિકારીઓની યાદીમાં રાજ્ય કક્ષાએ 148, લોકસભા કક્ષાએ 53, જિલ્લા સમિતિમાં 1509 અને વિધાનસભા કક્ષાએ 4488 કાર્યકરોની નિમણૂંક કરવામાં આવી હતી.