મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે. જે કન્યાકુમારીથી શરૂ થઈને જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે. કોંગ્રેસના કેટલાક નેતાઓ યાત્રા દરમિયાન 3,500 કિમી ચાલશે. જયારે, રાહુલ ગાંધીએ તુમકુર જિલ્લાના પોચકટ્ટેથી આજની ‘ભારત જોડો યાત્રા’ની શરૂઆત કરી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો તેમની સાથે છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના 32માં દિવસે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો યુવાનોને ગેરમાર્ગે દોરીને દેશમાં નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રવિવારે રાહુલની સાથે યાત્રામાં વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા અને પાર્ટીની રાજ્ય સમિતિના અધ્યક્ષ ડીકે શિવકુમાર પણ હાજર હતા.

પોતાની એક તસવીર શેર કરતા રાહુલે કહ્યું કે, આ યુવાનો કહી રહ્યા છે કે આપણા પ્રિય ભારતમાં નફરત માટે કોઈ સ્થાન નથી. થોડા વર્ષો પહેલા દેશમાં આજે જેવું વાતાવરણ નહોતું. યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે, તેઓને નફરત નહીં પ્રેમ જોઈએ છે, તેમને રોજગાર જોઈએ છે જેથી તેઓ પોતાનું, પોતાના પરિવાર અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. કેટલાક રાજકીય પક્ષો તેમને નફરતની રાજનીતિ માટે બેરોજગાર જોવા માંગે છે.