ગુજરાતના ભાજપના એક ધારાસભ્યએ પોતાની જ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. મામલો વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનો છે. વલસાડના ભાજપના ધારાસભ્ય ભરત પટેલે બુધવારે ગુજરાત વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખરાબ છે. તેમણે રસ્તાઓની ખરાબ હાલત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિધાનસભામાં ભરત પટેલે સવાલ કર્યો હતો કે શું રસ્તાઓના સમારકામ માટે કોઈ બજેટ ફાળવવામાં આવી રહ્યું છે, આ પ્રશ્નના જવાબમાં મંત્રી જગદીશ પંચાલે કહ્યું કે, સરકારે આ માટે 455 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

જો કે, મંત્રી પંચાલે કબૂલ્યું હતું કે, ભારે વરસાદના કારણે રસ્તાઓને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે નવસારી અને વલસાડમાં આ વખતે ઘણો વરસાદ થયો છે. તેમણે કહ્યું કે અમારી સરકાર રોડ સંબંધિત કોઈપણ કામને પૂર્ણ કરવા માટે ખૂબ જ સભાન છે અને આ દિશામાં ઘણા સકારાત્મક પગલાં લીધા છે.

મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે રસ્તા બનાવવા માટેના ટેન્ડરમાં એવી શરત મૂકી છે કે જો ચાર વર્ષમાં રોડ તૂટી જશે તો તેના સમારકામની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. જો રસ્તાના નિર્માણમાં કોઈ ગેરરીતિ જણાશે તો સંબંધિત કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દોષિત જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે રસ્તાના નિર્માણમાં ગરબડ જોવા માટે ઘણા અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. પંચાલે જણાવ્યું હતું કે તાજેતરમાં એક કન્સલ્ટન્ટને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.