ગુરુવારે દેશભરમાં કરાવવા ચોથનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત અનેક પક્ષોના નેતાઓએ પણ કરવા ચોથની ઉજવણી કરતા તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ દરમિયાન રાજસ્થાનના ઉદયપુરથી ભાજપના સાંસદ અર્જુનલાલ મીણાની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરમાં બીજેપી સાંસદ તેમની બે પત્નીઓ સાથે કરવા ચોથનો તહેવાર મનાવતા જોવા મળી રહ્યા છે.

58 વર્ષીય સાંસદ મીણાએ તેમની બે પત્નીઓ સાથે કરવા ચોથનો તહેવાર ઉજવ્યો હતો. મીણાએ બે મહિલાઓ મીનાક્ષી અને રાજકુમારી સાથે લગ્ન કર્યા છે. મીનાક્ષી અને રાજકુમારી બંને બહેનો છે. પ્રોફેશનની વાત કરીએ તો સાંસદની એક પત્ની રાજકુમારી ટીચર છે, જ્યારે બીજી પત્ની મીનાક્ષી ગેસ એજન્સીની માલિક છે.

અર્જુનલાલ મીણા રાજસ્થાનના ભાજપના 25 સાંસદોમાં હતા જેમને લોકસભા ચૂંટણી 2019 માં ઉદયપુર સંસદીય ક્ષેત્રના લોકોએ સંસદમાં મોકલ્યા હતા. આ અગાઉ 2014માં તેઓ લોકસભા ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. તેઓ રાજસ્થાન ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી એક છે. તે કરવા ચોથના તહેવાર પર ચર્ચામાં રહ્યા હતા.

અર્જુનલાલ મીણાએ રાજસ્થાનની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાંથી M.Com, B.Ed અને LLB ડિગ્રી પૂર્ણ કરી છે. 2003 થી 2008 સુધી તેઓ ધારાસભ્ય પણ હતા. આ પછી 2014માં ભાજપે તેમને ઉદયપુર સીટ પરથી ચૂંટણી લડાવ્યા અને તેમણે મોટી જીત નોંધાવી હતી. 2019માં પણ તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.