રૂપાણીના ગઢમાં ભાજપનું શક્તિ પ્રદર્શન, પણ શિસ્તબદ્ધ પાર્ટીમાં જૂથબંધી ચરમસીમા પર…

રાજકોટમાં સુશાસન દિવસના સમાપન સમારોહે ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. રૂપાણીના ગઢ સમાન રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,શિક્ષણમંત્રી જીતુ વાઘાણી,અર્જુનસિંહ ચૌહાણ, બ્રિજેશ મેરઝા,વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કર્ણાટક ના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા હાજર રહ્યા હતા.
VR અને CR સામ-સામે
પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે, મુખ્યમંત્રીનો રોડ શો ધર્મન્દ્ર કોલેજ સુધી પહોંચે તે પહેલા જ સી.આર પાટીલ જતાં રહ્યા હતા. ત્યારબાદ અચાનક ધર્મેન્દ્ર કોલેજે વજુભાઈ વાળા અને વિજય રૂપાણી હાજર થયા હતા અને સરકારી રેલી સુધી ભાજપના કાર્યક્રમમાં રહ્યા હતા. મહત્વનું છે કે, પાટીલ અને રૂપાણી વચ્ચે વિવાદ જૂનો છે. ભાજપના આંતરિક સુત્રોએ અનેકવાર આ બાબતની પુષ્ટિ પણ કરી છે કે બંને વચ્ચે વિવાદ છે. મુખ્યમંત્રી તરીકે રૂપાણી પોતાનો કાર્યકાળ પુર્ણ કરે એ પહેલા જ રાજીનામું આપવું પડ્યું જેના અનેક કારણો પૈકી એક કારણ પાટીલ સાથેનો વિવાદ પણ રહ્યો છે.
કાર્યક્રમનો અંદાજ રાજકોટની માફક જ રંગીલો રહ્યો…
ઓમિક્રોન અને વધતા કોરોનાના કેસ વચ્ચે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રૂપાણીના ગઢમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શહેર ભાજપ યુવા મોરચાના 1000થી વધુ કાર્યકર્તાઓ કેસરી કેપ સાથે બાઇક સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીને સત્કારવા સંતો-મહંતો શહેરના શ્રેષ્ઠીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જુદા-જુદા રંગારંગ – સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. શહેર પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ સીએમ રોડ શોમાં ઘોડેસવાર,વિન્ટેજ કાર,બેન્ડ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક પર આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. ત્યારે આગામી સમયમાં આ રોડ શો અને ભવ્ય સભા રાજકોટવાસીઓને ભારે ન પડે તો જ નવાઈ.
વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલ અંગે કહી મોટી વાત –
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ત્યારથી 25 ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવી છીએ અને પૂર્વ વડાપ્રધાન અટલજીને યાદ કરીએ છીએ. ગુડ ગવર્ન્સ તરીકે આ યાદગાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ અટલજીને યાદ કરી કાવ્ય રજુ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે,
”કદમ મિલાકે ચલના હોગા…
બાધા એ આતી હે આતી રહેગી”
ભારત ભીખારીનો દેશ ગણાતો પણ અટલજી આવ્યા પછી સ્વરાજને સુરાજ્યમાં કરવાનો ધ્યેય લીધો હતો તેમના શાસનમાં ઓબીસી અને વનવાસીનો વિકાસ થયો છે.ગુજરાત ને ગુડ ગવર્ન્સ નો એવોર્ડ મળ્યો તે સિદ્ધિ છે. ગુડ ગવર્ન્સ એટલે પારદર્શક અને વિકાસ. ભુપેન્દ્ર પટેલને અભિનંદન આપ્યા હતા જણાવ્યું હતું કે, રાજકોટ આવ્યા છો ત્યારે ગુડ ગવર્ન્સ માં ખુબ જ કામ કરો તેવી શુભેચ્છા. હું પણ પાંચ વર્ષે મુખ્યમંત્રી રહ્યો હતો, સતાને સેવાનું માધ્યમ ગણી લોકોની અપેક્ષા પૂરી કરી છે. ગામડામાં ડિજિટલ સુવિધા મળે તેવા પ્રયાસ આવકાર્ય છે. ફરી વખત રાજ્ય સરકારને અભિનંદન અને ધન્યવાદ આપું છું
જીતુ વાઘાણીના બેબાક બોલ
શિક્ષણમંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ભુપેન્દ્ર પટેલે ખુબજ ટૂંકાગાળામાં કાર્ય કરી ગુજરાતને વિકાસમાં આગળ લઇ જઈ રહ્યા છે તે લોક લાડીલા મુખ્યમંત્રીનું રાજકોટમાં સ્વાગત છે.
વજુભાઈ વાળાનો જૂનો અંદાજ
વજુભાઈ વાળા સ્પષ્ટવક્તા તરીકે જાણીતા છે. વર્ષો પહેલા જ્યારે તેઓ નાણામંત્રી અને વિધાનસભાના સ્પીકર રહ્યા ત્યારે તેઓનો અનોખો અંદાજ લોકોમાં જાણીતો હતો પરંતુ કર્ણાટકના રાજ્યપાલ તરીકે ટર્મ પુર્ણ કર્યા બાદ પ્રથમવાર રાજકોટમાં તેઓ જૂના અંદાજમાં જોવા મળ્યા હતા.
વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે 70-70 વર્ષ રાજ કરી પૈસા ખાધા અને ભ્રષ્ટાચાર જ કર્યો છે. અટલજીની સરકાર દ્વારા પોખરણમાં ધડાકો કરીને અણુબોમ્બની શક્તિ દેખાડવામાં આવી હતી. આ સમયે કોંગ્રેસ કહેતું હતું કે, અમેરિકા નારાજ થશે અને ભારતને નુકસાન થશે. જેના જીવનની એક એક ક્ષણ અને શરીરનો એક એક કણ માતૃભૂમિ માટે થઈને તરસતો રહ્યો છે, માતૃભૂમિની રક્ષા માટે તલપાપડ છે તે જ લોકો અણુ ધડાકો કરી શકે. અત્યાર સુધી કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરી હરામનું ખાઈને શૌચાલયના પોખરામાં ધડાકો કરી શકો, પોખરણમાં ધડાકો કરવો એ તમારી 7 પેઢીનું કામ નથી.