શિવસેનાના બંને જૂથોએ 23 નવેમ્બર સુધીમાં સબમિટ કરવાના રહેશે દસ્તાવેજો, ચૂંટણી પંચે આપી સૂચના

ચૂંટણી પંચે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેનાના બંને જૂથોને પાર્ટીના નામ અને ચિહ્ન પરના તેમના દાવાના સમર્થનમાં 23 નવેમ્બર સુધીમાં નવા દસ્તાવેજો સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે જો તેને કોઈ દસ્તાવેજ નહીં મળે તો માની લેવામાં આવશે કે તેની પાસે આ મુદ્દે કહેવા માટે કંઈ નવું નથી.
પંચે ઓક્ટોબરમાં વચગાળાના આદેશમાં બંને પક્ષોને પક્ષના નામ અથવા ચૂંટણી ચિન્હ, ધનુષ અને તીરનો ઉપયોગ કરવા પર રોક લગાવી હતી. કહ્યું કે વિવાદના અંતિમ નિરાકરણ સુધી વચગાળાનો આદેશ ચાલુ રહેશે.
અગાઉ શિવસેનાના નામ કે ચૂંટણી ચિહ્ન ધનુષ અને તીરનો ઉપયોગ ન કરવાના ચૂંટણી પંચના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અરજી મંગળવારે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. સાથે જ, જસ્ટિસ સંજીવ નરુલાની બેન્ચે કમિશનને આ મામલે વહેલી તકે અંતિમ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.
જણાવી દઈએ કે શિવસેનાની સ્થાપના 19 જૂન 1966ના રોજ બાળાસાહેબ ઠાકરેએ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં ભાગલા પડી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઘણા ધારાસભ્યો સાથે પાર્ટી સામે બળવો કર્યો અને ભાજપ સાથે ગઠબંધન કરીને રાજ્યમાં સરકાર બનાવી. બંને જૂથો વચ્ચે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.