તાજેતરમાં રાજ્ય સરકારે જેતપુરથી નવી બંદર સુધી 105 કી.મી લાંબી પાઈપલાઈન નાખવાની યોજનાને મંજુરી આપી છે. આ પાઈપલાઈનના મારફતે જેતપુર સાડી ઉદ્યોગનો ઝેરી કેમિકલ કચરો દરિયા ઠાલવવામાં આવશે, તેવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. વધુમાં પોરબંદરના નવી બંદર નજીક દરિયામાં કેમિકલ યુક્ત પાણી ઠાલવવા આ પાઈપલાઈન આકાર લઈ રહી છે. આ પાઈપલાઈન મારફતે રોજનું 80 કરોડ લિટર કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવા યોજના બનાવવામાં આવી છે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપતા જ વિવાદ વકર્યો છે. ત્યારે આ મુદ્દે સ્થાનિક માછીમારોને વાચા આપવા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા આગળ આવ્યા છે.

સ્થાનિક આગેવાનોએ દાવો કર્યો છે કે, આ પ્રોજેક્ટના કારણે અગાઉ જેતપુર, ધોરાજીની ખેતી બરબાદ થઈ તે જ માણવાદર, પોરબંદરના ગામડાઓની ખેતીનો વિનાશ કરશે. સૌથી મોટુ નુકશાન માછીમારઓને થશે. દક્ષિણ ગુજરાત અને ભાવનગરના દરિયામાં કેમિકલ જવાથી માછીમારી શક્ય બનતી નથી. તે જ રીતે પોરબંદર, વેરાવળ અને કચ્છ સુધીના દરિયામાં આજ પરિસ્થિતી સર્જાશે.

વિવાદ વકરતા જેતપુર-પોરબંદર પાઈપલાઈન યોજના સામે જનઆંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં નવા આંદોલનની તૈયારી કરવામાં આવી રહી છે. આ જન આંદોલન અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં આકાર લઈ રહ્યું છે. જન આંદોલનની અસર પોરબંદર, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, જામનગર, દેવભૂમી દ્વારકા જિલ્લામાં થશે.

વધુમાં મોઢવાડિયાએ જણાવ્યું છે કે, જેતપુરથી નવી બંદર સુધી 105 કી.મી લાંબી પાઈપલાઈન નાખવાની યોજનાને મંજુરી અપાઈ છે જેના કારણે સમગ્ર વિવાદ ઊભો થયો છે. 80 કરોડ લિટર પાણી એટલે એક આખા ભાદર નદીના પ્રવાહ જેટલુ પાણી રોજ દરિયામાં ઠલવાશે કે જે ખેતીને ચોપટ કરી નાખી છે. અગાઉ એક યોજના બની હતી કે આ કેમિકલ યુક્ત પાણીનું જેતપુરમાં જ શુદ્ધીકરણ કરીને તે પાણીને ખેતી કામ અથવા ઉદ્યોગોને આપવામાં આવે. પરંતુ રાજ્ય સરકારે રોજનું 80 કરોડ લિટર કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવા જેતપુરથી નવી બંદર સુધી 105 કી.મી લાંબી પાઈપલાઈન નાખવાની યોજનાને મંજુરી આપી છે. પરિણામે જે રીતે જેતપુર, ધોરાજીની ખેતી બરબાદ થઈ તે જ માણવાદર, પોરબંદરના ગામડાઓની ખેતીનો વિનાશ કરશે. તેમજ કેમિકલ યુક્ત પાણી દરિયામાં જશે એટલે દરિયાઈ જીવસુષ્ટિનો નાશ થશે.