દેશના પ્રથમ મહિલા આદિવાસી પ્રમુખ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ કોંગ્રેસના સાંસદ અધીર રંજન દ્વારા અભદ્ર ટિપ્પણી બાદ આજે સંસદમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોનિયા ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી તો કોંગ્રેસના સાંસદોએ પણ હંગામો શરૂ કર્યો હતો. આ બધા વચ્ચેનો વિવાદ ત્યારે વધી ગયો જ્યારે સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયાએ સ્મૃતિને “Don’t Talk To Me“ કહ્યું હતું. સોનિયાએ આટલું કહેતાં જ સ્મૃતિ પણ ગુસ્સામાં લાલ થઈ ગઈ અને બંને પક્ષે ભારે ચર્ચા થઈ છે.

વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકસભાની કાર્યવાહી દરમિયાન ભાજપના તમામ સાંસદો અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ‘સોનિયા ગાંધી માફી માગો’ ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ ગૃહ સ્થગિત કરવામાં આવ્યું ત્યારે સોનિયા ગાંધી બહાર જઈ રહ્યા હતા, પરંતુ સૂત્રોચ્ચાર વચ્ચે સોનિયા ગાંધી પાછા પરત આવ્યા અને કહ્યું કે મારું નામ કેમ લેવામાં આવી રહ્યું છે, અધીર રંજન ચૌધરીએ માફી માંગી લીધી છે. આ દરમિયાન રમા દેવી પાસે ઉભેલી સ્મૃતિ ઈરાનીએ સોનિયા ગાંધીને કહ્યું કે, મેમ, મેં તમારું નામ લીધું છે. તેના પર સોનિયા ગુસ્સે થઈ ગયા અને સ્મૃતિને ઠપકો આપતા કહ્યું કે, મારી સાથે વાત ન કરો, આ પછી સ્મૃતિ અને સોનિયા ગાંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ચર્ચા 2 થી 3 મિનિટ સુધી ચાલી હતી.

જ્યારે આ અગાઉ મીડિયાને સંબોધિત કરતી વખતે સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, સોનિયાજીની અધ્યક્ષતામાં કોંગ્રેસે આ સંસ્કાર છે અને નકામા અને બંધારણને નુકસાન પહોંચાડ્યું છે. સંસદમાં અને રસ્તા પર કોંગ્રેસ અને તેમના નેતાઓએ દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અને દેશની માફી માંગવી જોઈએ. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જ્યારથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી દ્રૌપદી મુર્મુ કોંગ્રેસ પાર્ટીની નફરત અને ઉપહાસનો શિકાર બની ગઈ છે. કોંગ્રેસ પાર્ટીએ તેમને કઠપૂતળી કહ્યા છે. એક આદિવાસી મહિલા આ દેશના સર્વોચ્ચ બંધારણીય પદને શોભે છે તે વાત કોંગ્રેસ હજુ પણ સ્વીકારવામાં અસમર્થ છે. સોનિયા ગાંધી દ્વારા નિયુક્ત ગૃહના નેતા અધીર રંજને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી જે શરમજનક નિવેદન છે. આ સંબોધન એ સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમા વિરુદ્ધ છે, ત્યારે પણ કોંગ્રેસના આ પુરુષ નેતાએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે દેશ અને દુનિયા જાણે છે કે કોંગ્રેસ આદિવાસી વિરોધી, ગરીબ વિરોધી અને મહિલા વિરોધી છે. પરંતુ કોંગ્રેસનું પતન એ હદે થયું કે, દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર આદિવાસી અને ગરીબ પરિવારની મહિલાનો આટલો અનાદર, તેની ગરિમા પર પ્રહાર કરે છે.