દિલ્હી સરકારે આજે બાળકોને મોટી ભેટ આપતા શહીદ ભગત સિંહ આર્મ્ડ ફોર્સ પ્રિપેરેટરી સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે. તેનું ઉદ્ઘાટન કરતા સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, આ શાળા બાળકો માટે સંપૂર્ણપણે મફત છે અને બાળકો તેમાં સેનાની ભરતી માટે તૈયારી કરી શકશે.

સીએમ કેજરીવાલે જણાવ્યું છે કે, બાળકો અહીં નેશનલ ડિફેન્સ એકેડમીથી લઈને નેવી, એરફોર્સમાં દાખલ થવા માટે ટ્રેનિંગ લઇ શકશે. તેમણે બાળકોને સંબોધતા જણાવ્યું છે કે, આજે અમારું સપનું પૂરું થઈ ગયું છે જે અમે લગભગ બે વર્ષ પહેલા જોયું હતું. દિલ્હીમાં જે બાળકો સેનામાં જોડાવા માંગે છે, દેશ માટે સેવા કરવા માંગે છે, દેશ માટે મરવા માંગે છે, તેમના માટે અત્યાર સુધી કોઈ ઔપચારિક વ્યવસ્થા નહોતી જે તેમને સેનામાં જોડાવા માટે તૈયાર કરી શકે. અત્યાર સુધી બાળકો પોતાની જાતને તૈયાર કરીને સેનામાં જોડાતા હતા. અન્ય રાજ્યોમાં પણ આવી શાળાઓ છે. તે જ સમયે, હવે આવી શાળા દિલ્હીમાં પણ શરૂ થઈ છે જે બાળકોને સેનામાં ભરતી માટે તાલીમ આપશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, અમે આ શાળા બનાવવાની તૈયારી એક વર્ષ પહેલા શરૂ કરી દીધી હતી. આટલી જલ્દી શાળાનું નિર્માણ થશે એવી અમને કલ્પના પણ નહોતી. અમે શાળાના નિર્માણમાં મદદ કરનાર દરેકનો આભાર માનીએ છીએ. સીએમ કેજરીવાલે જણાવ્યું છે કે, 18000 બાળકોએ સ્કૂલમાં એડમિશન માટે અરજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે તેમના માટે આ શાળા તદ્દન મફત છે. આ શાળામાં એનડીએ માટેની તૈયારી કરવામાં આવશે.