દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના વિરુદ્ધ વાંધાજનક નિવેદનો અને વિવાદાસ્પદ પોસ્ટ દૂર કરવા કહ્યું છે. હાઈકોર્ટે તેના વચગાળાના આદેશમાં લેફ્ટનન્ટ ગવર્નર સામેની કથિત બદનક્ષીપૂર્ણ સામગ્રીને હટાવવાનો આદેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે, દિલ્હીના એલજી વીકે સક્સેનાએ દિલ્હી હાઈકોર્ટને આપ અને તેમના નેતાઓને ભવિષ્યમાં તેમની અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનોના આરોપો કરવાથી રોકવાનો આદેશ આપવાનો આગ્રહ કર્યો હતો.

એલજીએ એક્સાઈઝ પોલિસી સહિત અનેક મુદ્દાઓ પર સીબીઆઈ તપાસના આદેશ આપ્યા બાદ આમ આદમી પાર્ટી અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચેની ખેંચતાણ વધુ તીવ્ર બની ગયું હતું. AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકે દિલ્હી વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નર પર 1,400 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. પાઠકે કહ્યું હતું કે, ખાદી ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ તરીકે લેફ્ટનન્ટ ગવર્નરે નોટબંધી દરમિયાન કૌભાંડ આચર્યું હતું.