આ વર્ષની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 340 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પાર્ટીએ સૌથી વધુ ખર્ચ યુપીમાં કર્યો છે. જ્યારે કોંગ્રેસે આ રાજ્યોમાં પ્રચાર પર 194 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે.

બંને મુખ્ય પક્ષોના ચૂંટણી ખર્ચના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ચૂંટણી પંચમાં દાખલ કરાયેલા અને સાર્વજનિક કરાયેલા બીજેપીના રિપોર્ટ અનુસાર, પાર્ટીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર પર કુલ 340 કરોડનો ખર્ચ કર્યો છે.

બીજેપીના ચૂંટણી ખર્ચના અહેવાલ મુજબ, તેણે યુપીમાં સૌથી વધુ રૂ. 221 કરોડ, મણિપુરમાં રૂ. 23 કરોડ, ઉત્તરાખંડમાં રૂ. 43.67 કરોડ, પંજાબમાં રૂ. 36 કરોડ અને ગોવામાં રૂ. 19 કરોડનો ખર્ચ કર્યો છે.

તેવી જ રીતે, કોંગ્રેસ દ્વારા દાખલ કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેણે ઉપરોક્ત પાંચ રાજ્યોની ચૂંટણીઓ અને સંબંધિત કાર્યોમાં 194 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. કોંગ્રેસ અને ભાજપ માન્ય પક્ષો છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડતા પક્ષોએ નિર્ધારિત સમયમર્યાદામાં ચૂંટણી પંચ સમક્ષ તેમના ચૂંટણી ખર્ચનો અહેવાલ દાખલ કરવો જરૂરી છે.