ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં દર કલાકે નવાજુની જોવા મળી રહી છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તે પહેલા રાજકોટથી જ કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાશે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સાથે રાજકોટ કોંગ્રેસ માંથી વધુ એક વિકેટ પડશે. રાજકોટ મનપાના પૂર્વ નેતા વિપક્ષ વશરામ સાગઠીયા પણ AAP માં જોડાશે. 3 એપ્રિલે કેજરીવાલ સાથે ઇન્દ્રનીલ રાજ્યગુરુ મુલાકાત કરશે.

ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઇ છે. બીજી તરફ રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ થવાની શરૂઆત થઈ હોય તેમ એક પછી એક આગેવાનોની નારાજગી સામે આવી રહી છે. હજુ ગઈકાલે જ રાજકોટ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશ રાજપરાએ રાજીનામું આપ્યું હતું. અને સંગઠનમાં નિષ્ઠાથી કામ કરવા છતાં કોઇ નોંધ ન લેવાતી ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આજે કોંગ્રેસથી નારાજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. અને AAPના નેતાઓ સાથે તેમણે સંપર્ક કર્યાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે અરવિંદ કેજરીવાલ આગામી સપ્તાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે કેજરીવાલ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠીયા સાથે મુલાકાત કરશે.