આ વખતે દિલ્હીમાં પણ દિવાળી ફટાકડા વગરની રહેશે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે જણાવ્યું છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં 1 જાન્યુઆરી સુધી તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. તેમણે જણાવ્યું છે કે આ પ્રતિબંધ ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પણ લાગુ છે.

તેમણે ટ્વિટર પર જણાવ્યું છે કે, દિલ્હીના લોકોને પ્રદૂષણના ભયથી બચાવવા માટે, ગયા વર્ષની જેમ આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે, જેથી લોકોનો જીવ બચી શકે.

તેમણે માહિતી આપી હતી કે આ વખતે દિલ્હીમાં ફટાકડાના ઓનલાઈન વેચાણ/ડિલિવરી પર પણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી, 2023 સુધી અમલમાં રહેશે. પ્રતિબંધના કડક અમલ માટે દિલ્હી પોલીસ, DPCC અને મહેસૂલ વિભાગ સાથે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે દિલ્હી સરકારે 28 સપ્ટેમ્બરથી 1 જાન્યુઆરી 2022 સુધી દિલ્હીમાં ફટાકડાના વેચાણ અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. ફટાકડા ફોડવા સામે જનજાગૃતિ લાવવા માટે શહેર સરકારે ‘ફટાકડા નહીં દીવા સળગાવો’ અભિયાન પણ શરૂ કર્યું હતું. સાથે જ ફટાકડા ફોડનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.