રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડધમ શાંત થયા છે. રવિવારે 19 ડિસેમ્બરે ગામડામાં લોકશાહીનું મહાપર્વ યોજાશે. રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે. જેને લઈને સરપંચ સહિત ઉમેદવારોએ સોશ્યિલ મીડિયામાં પ્રચાર કર્યો છે. કાતિલ ઠંડીના વાતાવરણમાં ગામડામાં ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ સહીત પક્ષો મેદાનમાં નથી પણ સરપંચ પોતાના તરફી ચૂંટાય તેની ગતિવિધિ વધુ તેજ બની છે.

ચુંટણીના મેદાનમાં રહેલા સરપંચ પદના ઉમેદવારો અને સભ્યપદનાં ઉમેદવારો માટે આજનો દિવસ મહત્વનો અને આજની રાત કતલની રાત બની રહેશે. ચુંટણી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ચુંટણી પ્રક્રિયા શાંત અને નિષ્પક્ષ વતાવરણમાં યોજાય તે માટે પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. મતદાન મશીનના બદલે બેલેટ પેપરથી થવાનું છે અને આ માટે ૯૬૪ મતદાન મથક ઉપર મતદારોની સંખ્યાને ધ્યાને રાખીને ૧૦૮૯ મતપેટીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ૫૪૭ પૈકી ૧૩૪ ગ્રામ પંચાયતો બિનહરિફ થયા બાદ બાકી રહેલી ૪૧૩ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આગામી રવિવાર ૧૯ના સવારે ૭થી સાંજે ૬ સુધી મતદાન યોજાશે.