અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્ય ન્યાયાધીશને કોરોના મૃત્યુના આંકડાને લઈને પત્ર લખ્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેરમાં સરકાર દ્વારા રહી ગયેલી સિવિધાઓને સુધારવા અને ત્રીજી લહેરનું પહેલેથી આયોજન કરવા મામલે હાઈકોર્ટના સીટિંગ જજનું તપાસપંચ નીમવાની માગ સાથે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખાયો છે.

ગ્યાસુદીન શેખે રજૂઆત કરી છે કે, બીજી લહેરમાં કોરોનાથી હજારો લોકોનાં મોત થયાં છે, પરંતુ સરકાર આંકડો ઓછો બતાવી રહી છે. સરકાર મોર્બિડ-કો મોર્બિડના ભાગ પાડીને કોરોનાથી થતાં મોતના સાચા આંકડા છુપાવી રહી છે. સરકાર બીજી લહેર દરમિયાન કોરોનાના દર્દીઓને વેન્ટીલેટર, જીવનરક્ષક દવાઓ, ઓક્સિજન કે હોસ્પિટલમાં પથારી પૂરાં પાડવામાં નિષ્ફળ રહી છે. કોરોનાથી મોત થયા હોવા છતાં અન્ય બીમારીથી મોત થયાં હોવાનું જણાવીને સાચા આંકડા છુપાવી રહી છે. ત્યારે આ અંગે પણ હાઈકોર્ટના સીટિંગ જજનું તપાસ પંચ નીમાશે તો સરકાર પર મોનિટરિંગ રહેશે. તેમ ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે.

ગ્યાસુદ્દીન શેખે લખેલા પત્રમાં રજૂઆત કરાઈ છે કે, કોર્પોરેશને વોર્ડદીઠ, સરકારે તાલુકા-જિલ્લા સ્તરે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની તમામ વિગતો સરકારી વેબસાઇટ પર રોજે પ્રસિદ્ધ થવી જોઇએ. કોરોનાની ત્રીજી લહેર આવવાની જાણ કરાઈ હોવા છતાં સરકાર ઊંઘતી રહી હતી.