હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસ 40 બેઠકો જીતીને પાંચ વર્ષ બાદ સત્તામાં પરત આવી છે. આ જીત બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રી નક્કી કરશે. સૂત્રોએ શુક્રવારે જણાવ્યું કે રાજ્યના પૂર્વ પાર્ટી ચીફ સુખવિન્દર સિંહ સુખુ, સીપીએલ નેતા મુકેશ અગ્નિહોત્રી અને પાર્ટીના નેતા રાજિન્દર રાણાને મુખ્યમંત્રી પદની રેસમાં ગણવામાં આવી રહ્યા છે.

જો કે, હિમાચલ પ્રદેશ માટે તેના મુખ્યમંત્રી પદના ઉમેદવારને ફાઇનલ કરવું કોંગ્રેસ માટે અઘરું કામ છે. હાઈકમાન્ડ પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહને મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ નથી કરી રહી. આ પહેલા પ્રતિભા સિંહના સમર્થકો મોટી સંખ્યામાં કોંગ્રેસના શિમલા મુખ્યાલયની બહાર એકઠા થયા હતા અને તેમને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી.

કોંગ્રેસ હાઈકમાન્ડના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી પદની રેસમાં માત્ર ત્રણ જ નેતાઓ છે, સુખવિંદર સિંહ સુખુ, મુકેશ અગ્નિહોત્રી અને રાજીન્દર રાણા. મુખ્યમંત્રી માત્ર ધારાસભ્યોમાંથી જ હશે. હાઈકમાન્ડને લાગે છે કે જો પ્રતિભા સિંહને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો બે પેટાચૂંટણીઓ યોજવી પડશે – એક લોકસભા માટે અને બીજી વિધાનસભા માટે.

પેટાચૂંટણીના કારણે વાતાવરણ બગડવાની ભીતિ

સૂત્રોએ વધુમાં જણાવ્યું કે પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને કેબિનેટમાં ઉચ્ચ પદ આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે મંડીમાં 10માંથી 9 બેઠકો ગુમાવી દીધી છે ત્યારે તરત જ પેટાચૂંટણી યોજવી યોગ્ય નથી. ક્યાંક ચૂંટણી જીતવાથી સર્જાયેલું વાતાવરણ બગડી શકે છે.