બોટાદમાં સૌરભ પટેલ દ્વારા આયોજિત ક્રિકેટ મેચમાં માનવ મહેરામણ ઊમટતા કોંગ્રેસના આકરા પ્રહાર

રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. વેક્સિનેશન વચ્ચે કોરોનાની ત્રીજી લહેરની દસ્તક આપી રહી છે. છેલ્લા કેટલાંક સમયથી કોરોનાના કેસમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વધી રહી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ પણ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરતા ભીડ એકઠી કરવા ન જણાવ્યું છે. પરંતુ પુર્વ ઊર્જામંત્રી સૌરભ પટેલે એક વીડિયો વાઈરલ કર્યો હતો. જેમાં તેમના દ્વારા આયોજિત ક્રિકેટમેચમાં ભીડ એકઠી થયેલી જોવા મળી હતી. બોટાદમાં યોજાયેલી ક્રિકેટ મેચની ભીડ અંગે કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું કે,
કોરોનામાં સૌથી વધુ બેદરકારી ભાજપના લોકોએ દાખવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ તો સુપરસ્પ્રેડર સાબિત થયા છે. બોટાદના દ્રશ્યો માનવ જિંદગી માટે ખતરનાક સાબિત થાય તેમ છે. બોટાદ જિલ્લાના પોલીસ વડા પૂર્વ મંત્રી સૌરભ પટેલ સામે પગલાં લે તેવી માંગ મનીષ દોષીએ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે પ્રકારના કાયદા છે, ભાજપ માટે અલગ અને પ્રજા માટે અલગ છે.