કોંગ્રેસે આજે સોમવારે કહ્યું કે તેની તાકાત વિપક્ષી એકતાનો આધારસ્તંભ છે અને તેના વિના વિપક્ષી એકતાને મજબૂત કરવી શક્ય નથી. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પણ કહ્યું કે ‘ભારત જોડો’ યાત્રા વિપક્ષની એકતા માટે નથી, પરંતુ કોંગ્રેસને મજબૂત કરવા માટે છે. તેમણે પત્રકારોને કહ્યું કે મને ખુશી છે કે ભારત જોડો યાત્રા પછી આ હાથી (કોંગ્રેસ) જાગી ગયો છે, હાથી ચાલી રહ્યો છે. કોંગ્રેસ શું કરે છે તેના પર તમામ પક્ષોની નજર છે.

રમેશે કહ્યું કે વિપક્ષની એકતા ત્યારે જ શક્ય બનશે જ્યારે કોંગ્રેસ મજબૂત હશે. વિપક્ષની એકતાનો મતલબ એ નથી કે કોંગ્રેસ નબળી પડે… આ યાત્રા વિપક્ષની એકતા માટે નથી, કોંગ્રેસને મજબૂત કરવા માટે છે. અમે કોંગ્રેસને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે પ્રાથમિકતા આપી રહ્યા છીએ. તેમણે એ પણ માહિતી આપી હતી કે આ યાત્રા આજે કુલ 102 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી ઔપચારિક રીતે શરૂ થઈ હતી અને 8 સપ્ટેમ્બરે પદયાત્રાનો પ્રારંભ થયો હતો.