કેજરીવાલે કહ્યું – 75 વર્ષમાં ભારત નંબર વન કેમ ન બન્યું, હવે આ નેતાઓ પર ભરોસો ન કરી શકાય

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બુધવારે હરિયાણાના હિસાર પહોંચ્યા હતા. અહીં AAP નેતા અશોક તવરે તેમનું સ્વાગત કર્યું હતું. હિસારમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. પરંતુ આજે દરેકના મનમાં એક પ્રશ્ન છે કે આ 75 વર્ષોમાં ઘણા દેશો આપણાથી આગળ નીકળી ગયા છે. ભારત કેમ પાછળ રહ્યું? ભારત વિશ્વનો નંબર વન દેશ કેમ ન બની શક્યો.
ભારત અમીર દેશ કેમ નથી? ભારતની વિશાળ વસ્તી ગરીબ કેમ છે? બધા બાળકોને સારું શિક્ષણ કેમ નથી મળતું? અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભારતમાં સૌથી વધુ બુદ્ધિશાળી લોકો છે. દુનિયાની કંપનીઓમાં ભારતીયો ટોપ પર છે, છતાં આપણે કેમ પાછળ છીએ. નદીઓ, સમુદ્રો, પર્વતો, જડીબુટ્ટીઓ બધું જ ભારતમાં છે. સિંગાપોર, જાપાન અને જર્મનીએ આપણને પાછળ છોડી દીધા છે. લોકો પૂછે છે કે, શું ભારત વિશ્વનું નેતૃત્વ કરી શકે છે. હું કહું છું કે, કેમ નહીં ભારતમાં ઘણા યોગ્ય લોકો છે.
75 વર્ષથી તમામ પક્ષોએ ગંદી રાજનીતિ કરી છે. જો તેમના ભરોસે છોડી દેવામાં આવે તો ભારત આગામી 75 વર્ષ સુધી પણ પાછળ રહી જશે. જો 130 કરોડ લોકો એક થઈ જશે તો ભારતને નંબર વન દેશ બનવાથી કોઈ રોકી શકશે નહીં.
અમે ભારતને નંબર વન દેશ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. દેશના ખૂણે ખૂણે જશે અને લોકોને જોડવાનું કામ કરશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જે લોકો ભારતને નંબર વન દેશ તરીકે જોવા માંગે છે તેઓ બધાએ આ અભિયાનમાં સામેલ થવું જોઈએ. તમે 9510001000 પર મિસ્ડ કોલ આપીને જોડાઈ શકે છે.