દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સિંગાપોર મુલાકાત સંબંધિત ફાઇલને ફગાવી દીધી છે. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું છે કે, મેયરની કોન્ફરન્સમાં હાજરી આપવી મુખ્યમંત્રી માટે યોગ્ય નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે સક્સેનાએ દરખાસ્ત પરત કરતાં કહ્યું હતું કે, કોન્ફરન્સમાં શહેરી શાસનના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં દિલ્હી સરકાર સિવાય, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી અને નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ એકમો તરીકે કામ કરે છે.

ઉપરાજ્યપાલે કહ્યું કે, દિલ્હી સરકાર પાસે વિશેષ સત્તા નથી અને મુખ્ય પ્રધાન માટે હાજરી આપવી તે “અયોગ્ય” હશે. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે, આવી કોન્ફરન્સમાં મુખ્યમંત્રીની ભાગીદારી ખોટો દાખલો બેસાડશે.

આ દરમિયાન દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હીના ઉપરાજ્યપાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સિંગાપોર ન જવાની સલાહ આપી છે. ક્ષુદ્ર રાજનીતિ હેઠળ સિંગાપોર જવા દેવાયા નથી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી વિદેશ મંત્રાલય પાસેથી રાજકીય મંજૂરી માંગશે. અમે નિષ્ઠાપૂર્વક આશા રાખીએ છીએ કે પરવાનગી આપવામાં આવશે.

આ અગાઉ સીએમ કેજરીવાલે પણ સિંગાપોર પ્રવાસમાં આવી રહેલી અડચણો પર કહ્યું હતું કે, હું ગુનેગાર નથી, હું મુખ્યમંત્રી છું અને દેશનો સ્વતંત્ર નાગરિક છું. મને સિંગાપોર જતા રોકવા માટે કોઈ કાનૂની આધાર નથી, તેથી તેની પાછળ કોઈ રાજકીય કારણ હોવાનું જણાય છે.

આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલે કહ્યું કે, હું ચૂંટાયેલ ધારાસભ્ય છું. મને સમજાતું નથી કે શા માટે મને રોકવામાં આવી રહ્યો છે. સિંગાપોર સરકારે મને દિલ્હી મોડલ – આરોગ્ય અને શાળાઓમાં સેવાઓની વૃદ્ધિ વિશે જણાવવા માટે બોલાવ્યો છે. આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને પ્રોત્સાહન મળશે.