પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મંત્રીમંડળમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ આ સૌથી મોટો ફેરબદલ માનવામાં આવે છે. કેબિનેટના વિસ્તરણમાં નવ નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કથિત મની લોન્ડરિંગ કેસમાં સીએમના નજીકના સાથી પાર્થ ચેટરજીની ધરપકડના થોડા દિવસો બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરબદલમાં ભાજપમાંથી તૃણમૂલ કોંગ્રેસમાં આવેલા બાબુલ સુપ્રિયાને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. બાબુલ સુપ્રિયો કેબિનેટના મોટા નામોમાંથી એક છે. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટીની જંગી જીત બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા.

બાબુલ ઉપરાંત સ્નેહશીષ ચક્રવર્તી, પાર્થ ભૌમિક, ઉદયન ગુહા અને પ્રદીપ મજુમદારને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. બિરભા હંસદા, બિપ્લબ રોયચૌધરી, તજમુલ હુસૈન અને સત્યજીત બર્મને ચાર જુનિયર મંત્રી તરીકે શપથ લીધા છે.નોંધનીય છે કે પાર્થ ચેટરજીને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ બાદ મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ચેટર્જી ઉદ્યોગ, વાણિજ્ય સહિત પાંચ વિભાગોનો હવાલો સંભાળતા હતા.

સોમવારે કેબિનેટમાં ફેરફારનો સંકેત આપતાં સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ઘણા વિભાગો મંત્રીઓ વિના કામ કરી રહ્યા છે, હું બધી જવાબદારીઓ નિભાવી શકતી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે બંગાળમાં સાત નવા જિલ્લાઓ બનાવવામાં આવશે, જેના પછી જિલ્લાઓની કુલ સંખ્યા વધીને 30 થઈ જશે.