ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. આજે સવારે 8.16 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 82 વર્ષના હતા. તેઓ મુલાયમ સિંહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. ગયા રવિવારથી તેમની હાલત નાજુક હતી. મુલાયમ સિંહ યાદવના નિધન બાદ સપાના કાર્યકરોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

કુસ્તીબાજ અને શિક્ષક રહેલા મુલાયમે લાંબી રાજકીય ઇનિંગ્સ રમી હતી. તેઓ ત્રણ વખત યુપીના મુખ્યમંત્રી રહ્યા. કેન્દ્રમાં સંરક્ષણ પ્રધાન રહ્યા હતા. તેઓ તેમના બોલ્ડ રાજકીય નિર્ણયો માટે પણ જાણીતા છે.

તમને જણાવી દઈએ કે 22 ઓગસ્ટના રોજ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહને 1 ઓક્ટોબરની રાત્રે ICU માં શિફ્ટ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવની સારવાર મેદાંતાના ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવી રહી હતી.

સપા પ્રમુખ અખિલેશ યાદવ અને પરિવારના અન્ય સભ્યો તેમની સાથે છે. તેમના મૃતદેહને દિલ્હીથી લખનઉ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અહીંથી તેને ફરીથી ઈટાવા લઈ જવામાં આવશે.