દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આમ આદમી પાર્ટી (AAP) એ 15 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ને ઉખાડી નાખી છે. 250 વોર્ડવાળી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AAPને 134, BJPને 104 અને કોંગ્રેસને 9 વોર્ડમાં જીત મળી છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ કોંગ્રેસનો દેખાવ ફ્લોપ રહ્યો હતો. 2017માં 31 બેઠકો જીતનારી કોંગ્રેસ આ વખતે માત્ર 9 બેઠકો જ જીતી શકી. મુસ્લિમ ઉમેદવારોએ ચૂંટણીમાં કોંગ્રેસની ઈજ્જત બચાવી હતી. જે 9 વોર્ડમાં કોંગ્રેસનો વિજય થયો છે તેમાંથી 7 મુસ્લિમ ઉમેદવારો છે.

કોણ ક્યાંથી જીત્યું

કોંગ્રેસના ઉમેદવાર અરીબા ખાન મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા અબુ ફઝલ વોર્ડ 188માંથી જીત્યા. અરીબા ખાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાજિદ ખાનને હરાવ્યા હતા. જણાવી દઈએ કે અરીબા ઓખલાના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ ખાનની પુત્રી છે.

બીજી તરફ શગુફ્તા ચૌધરીએ સીલમપુરના વોર્ડ નંબર 227માંથી જીત મેળવી છે. તેમણે AAPની અસ્મા બેગમને હરાવ્યા. કોંગ્રેસના ઝરીફે કબીર નગર વોર્ડ નંબર 234થી AAPના સાજિદને હરાવ્યા હતા. શાસ્ત્રી પાર્ક વોર્ડ નંબર 213માંથી સમીરે AAPના આદિત્ય ચૌધરીને હરાવ્યા હતા.

મુસ્તફાબાદના વોર્ડ નંબર 243માંથી સબિલા બેગમ વિજયી બની છે. બ્રિજપુરી વોર્ડ નંબર 245થી કોંગ્રેસની નાઝિયા ખાતૂન જીતી છે. તેમણે AAPના અરફીનને હરાવ્યા હતા. જ્યારે શીતલ આયા નગરમાંથી જીતી હતી. કાદીપુરથી કોંગ્રેસની રૂમા રાણાએ AAPના સુદેશ ગેહલોતને હરાવ્યા છે. કાંઝાવાલામાં કોંગ્રેસના જોગીન્દરે ભાજપના વરુણ સેનીને હરાવ્યા હતા.

– 6 મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભાના 23 વોર્ડમાંથી આમ આદમી પાર્ટી માત્ર 8 વોર્ડ જીતી શકી હતી.
– બલ્લીમારનના 3 વોર્ડમાં આમ આદમી પાર્ટીએ 2 અને ભાજપે એક વોર્ડ જીત્યો હતો.
– આમ આદમી પાર્ટીએ મુસ્તફાબાદ વિધાનસભાના પાંચેય વોર્ડ ગુમાવ્યા છે
– સીલમપુર વિધાનસભાના તમામ 4 વોર્ડમાં આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો.
– AAP ઓખલા વિધાનસભાના 5 વોર્ડમાંથી 4 હારી, માત્ર 1 જીતી
– મતિયા મહેલ વિધાનસભાના તમામ 3 વોર્ડમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે
– ચાંદની ચોક વિધાનસભાના તમામ 3 વોર્ડમાંથી આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે

જણાવી દઈએ કે બુધવારે જાહેર કરાયેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણીના પરિણામોમાં AAPએ 134 બેઠકો જીતીને ભાજપના 15 વર્ષના કાર્યકાળનો અંત લાવી દીધો છે. 250 વોર્ડ ધરાવતી મહાનગરપાલિકામાં બહુમતીનો આંકડો 126 છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે AAPની જીત માટે દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો. પાર્ટી કાર્યાલયમાં સમર્થકોને સંબોધતા કેજરીવાલે કહ્યું કે તેઓ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરશે અને દિલ્હીને વધુ સારું બનાવવા માટે તમામ પક્ષોને સાથે આવવા વિનંતી કરી.