નરિન્દર બત્રાએ ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેણે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની સદસ્યતા છોડી દીધી છે અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનમાંથી પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ત્રણ અલગ-અલગ સત્તાવાર પત્રોમાં તેમના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. દિલ્હી હાઈકોર્ટે 25 મેના રોજ પોતાના ચુકાદામાં હોકી ઈન્ડિયાનું આજીવન સભ્યપદ સમાપ્ત કરી દીધું હતું. બત્રાએ આ સભ્યપદના આધારે ચૂંટણી લડી હતી અને 2017 માં જીત પણ પ્રાપ્ત કરી હતી.

હાઈકોર્ટના નિર્ણય બાદ બત્રા ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પદેથી રાજીનામું આપવા તૈયાર હતા. આ સાથે તેણે અન્ય બે જવાબદારીઓ પણ છોડવાનો નિર્ણય લીધો છે.

બત્રાએ ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનના એક્ઝિક્યુટિવ બોર્ડને પત્ર લખીને કહ્યું છે કે, અંગત કારણોસર હું ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું.

બત્રાએ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિનું સભ્યપદ છોડવું પડ્યું હોત. આવી સ્થિતિમાં તેમનો નિર્ણય સમજી શકાય તેમ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના પ્રમુખ પદેથી તેમનું રાજીનામું ચોંકાવનારું છે. તેઓ આ પદ પર રહીને ભારતીય હોકીની સેવા કરી શક્યા હોત.

2017માં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ બનેલા બત્રાએ 25 મેના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ સમયે તેમણે કહ્યું હતું કે, તે હોકી માટે વધુ સમય ફાળવવા માંગે છે. આ કારણે તેઓ આમ કરી રહ્યા છે, પરંતુ હવે તેમણે આ પદ પરથી રાજીનામું પણ આપી દીધું છે.