Parliament Monsoon Session 2022- સંસદના ચોમાસુ સત્રનો આજે આઠમો દિવસ છે. આજે પણ વિપક્ષી સાંસદો લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવી શકે છે. જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ શક્તિ સિંહ ગોહિલે ED, CBI, IT જેવી એજન્સીઓના દુરુપયોગ માટે નિયમ 267 હેઠળ રાજ્યસભામાં કામ સ્થગિત કરવાની નોટિસ આપી છે. આ પહેલા સાતમા દિવસ સુધી સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો થયો હતો. વિપક્ષના સાંસદોએ વધતી મોંઘવારી અને જીએસટીના મુદ્દે ગૃહમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

જો કે, આ સમયગાળા દરમિયાન રાજ્યસભામાં હંગામો કરવા બદલ TMC સહિત ઘણા વિરોધ પક્ષોના સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 19 સાંસદોને એક સપ્તાહ માટે સંસદની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના પર આજે સંસદમાં હંગામો જોવા મળી શકે છે. સાંસદોને સસ્પેન્ડ કરવા પર વિપક્ષ આજે પણ ગૃહની કાર્યવાહી ખોરવી શકે છે. જયારે, સરકાર વિપક્ષને ગૃહની કાર્યવાહી ચાલુ રાખવા દેવા માટે સતત અપીલ કરી રહી છે. આમ છતાં સંસદના ચોમાસુ સત્રમાં હંગામો ચાલુ છે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કોંગ્રેસના ચાર સભ્યોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. સોમવારે ગૃહની કાર્યવાહી દરમિયાન ચાર સભ્યો ગૃહની અંદર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને પ્લેકાર્ડ લહેરાવતા હતા. જે બાદ ચાર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન લોકસભા સ્પીકરે વિપક્ષી સાંસદોને ગૃહમાં સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ ન લગાવવાની અપીલ કરી હતી.

સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થયું હતું. પરંતુ આઠ દિવસ બાદ પણ સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો ચાલુ છે. વિપક્ષને અપીલ કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે મોંઘવારી મુદ્દે ટૂંક સમયમાં સંસદમાં ચર્ચા કરવામાં આવશે. તેમના કહેવા પ્રમાણે, કોવિડ-19થી પીડિત નાણામંત્રી સીતારમણ એક-બે દિવસમાં પાછા આવશે, ત્યારબાદ સરકાર મોંઘવારી મુદ્દે ગૃહમાં ચર્ચા કરશે.