ભારતમાં ટૂંક સમયમાં 5G ઈન્ટરનેટ સેવાઓ શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબરના રોજ પ્રતિકાત્મક રીતે 5G સેવાઓ શરૂ કરશે. 4 દિવસીય ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ કાર્યક્રમ 1 ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનમાં શરૂ થવા જઈ રહ્યો છે. પીએમ મોદી આ કાર્યક્રમ દરમિયાન દેશમાં હાઈ સ્પીડ 5જી ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરશે. મળતી માહિતી મુજબ, પીએમ મોદી આ કાર્યક્રમ દરમિયાન દિલ્હીના દ્વારકા સેક્ટર 25માં આવનારા સ્ટેશનની અંડરગ્રાઉન્ડ ટનલમાંથી 5G સેવાઓનું કામ પણ જોશે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ પહેલાથી જ દેશમાં ચાર સ્થળોએ 5G ના સફળ ટ્રાયલ કર્યા છે. PM મોદી શનિવારે (1 ઓક્ટોબર) આ સ્થળોએ 5G ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરી શકે છે. આ ચાર સ્થળોમાં દિલ્હીનું ઈન્ટરનેશનલ એરપોર્ટ, બેંગલુરુનું મેટ્રો, કંડલા પોર્ટ અને ભોપાલનું સ્માર્ટ સિટી વિસ્તાર સામેલ છે. આ ચાર સ્થળોએ 5G ના સફળ ટ્રાયલને કારણે અહીં તેનું સંપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર છે. રિપોર્ટ અનુસાર દેશના 10 કરોડથી વધુ લોકો આગામી વર્ષ એટલે કે 2023 માં 5G સેવાનો ઉપયોગ કરવા ઇચ્છુક છે. આ સાથે, આ ગ્રાહકો 5G ઇન્ટરનેટ સેવા માટે 45 ટકા સુધી વધુ ચૂકવવા માટે પણ તૈયાર છે.

કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈશ્વાને અગાઉ જણાવ્યું હતું કે, 5G ધીમે ધીમે દેશમાં વિવિધ તબક્કામાં શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં 13 શહેરોમાં પ્રથમ 5G સેવા શરૂ કરવામાં આવશે. જેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, ચંદીગઢ, ચેન્નાઈ, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, કોલકાતા, જામનગર, લખનૌ, પુણે જેવા શહેરોનો સમાવેશ થાય છે. બે વર્ષ બાદ 5G સેવાનો સમગ્ર દેશમાં ઝડપથી વિસ્તરણ કરવામાં આવશે.