ગુજરાત કોંગ્રેસે વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને આજે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જૂન મોઢવાડિયા અને અનેક નેતા ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક બાદ ગુજરાત કોંગ્રેસ એલાન કર્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતમા ન્યાય અભિયાન શરૂ કરશે. કોરોનાની મૃત્યુ પામેલા પરિવારને ન્યાય અપાવવા અભિયાન શરૂ કરવામાં આવશે. મૃતકના પરિવારજનોને આધિકારીક વળતર અપાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ૪ લાખનું વળતર આપવા કોંગ્રેસે માંગ કરી છે. રાજ્યની 250 તાલુકા પંચાયત, 156 નગરપાલિકા અને 8 મનપામાં આ અભિયાન ચલાવવામાં આવશે. કોરોનાની લડાઇ લાંબી હોવાથી પ્રજાને હેલ્થ સિક્યુરીટી પુરી પાડવા કોંગ્રેસનો પ્રયાસ છે. આ ઉપરાંત ન્યાય અભિયાન માટે કોંગ્રેસ કોવિડ વોરીયર્સની નિમણુંક કરશે. 5200 થી વધારે તાલુક પંચાયત સીટ, નગરપાલિકાના 1251 વોર્ડ અને મનપા ના 176 વોર્ડ મુજબ કોંગ્રેસ કોવિડ વોરીયર્સની નિમણુક કરશે.

બેઠક બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સરકારે આરોગ્ય સેવા ઉભી કરવાના બદલે તાળી અને થાળી વગાડી. દવા, એમ્બ્યુલન્સ, ઓક્સિજન અને અન્ય સાધનોના અભાવે લોકોના મૃત્યુ થયા. મોંઘી સારવારના કારણે લોકો ઉપર દેવું વધ્યું છે.

વધુમાં ધાનાણીએ જણાવ્યું હતું કે, સ્મશાનમાં ભટ્ઠીઓ ઓગળી પણ સરકારનું હ્દય ન ઓગળ્યું. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને ન્યાય મળે તે માટે અમે 2 મહીના ન્યાય યાત્રા કરીશું. 5 લાખથી વધુ કોરોનાથી પીડિત પરિવારોને મળીશું. અમારો આ કાર્યક્રમ રાજકીય નથી સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયાસ છે.

આગામી દિવસોમાં કોંગ્રેસ કોવિડ વોરિયરની બુથ સુધી નિમણૂક કરીશું. કેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા, કેટલા લોકોના શંકાસ્પદ કોરોનાથી મૃત્યુ પામ્યા તેમની યાદી બનાવીશું. દરેક ગામ અને વોર્ડના મુખ્ય સ્થળે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ યોજિશું.