કોંગ્રેસે મોદી સરકાર સામે પ્રહારો તેજ કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક અખબારમાં લેખ લખીને મોદી સરકારને ઘેરી છે, તો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે પીએમ નરેન્દ્ર મોદીએ યુદ્ધ લડ્યા વગર 1000 ચોરસ કિલોમીટર જમીન ચીનને આપી દીધી. તેમણે સરકારને પૂછ્યું કે આ જમીન ક્યારે પરત લેવામાં આવશે?

રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે ચીને લદ્દાખ સરહદ પર એપ્રિલ 2020 પહેલાની સ્થિતિ પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો છે. કોંગ્રેસ નેતાએ આ આરોપ એવા સમયે લગાવ્યો છે જ્યારે બંને દેશોએ પૂર્વ લદ્દાખના ગોગરા હોટ સ્પ્રિંગ વિસ્તારમાં સ્થિત પેટ્રોલિંગ પોઈન્ટ-15 (PP-15) પરથી તેમની સેના હટાવી લીધી છે.

પૂર્વી લદ્દાખ સરહદ પર 5 મે 2020 ના રોજ પેંગોંગ સરોવર વિસ્તારોમાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ પછી મડાગાંઠ શરૂ થઈ હતી. આ પછી, બંને પક્ષોએ ધીમે ધીમે તેમના હજારો સૈનિકો અને ભારે હથિયારો ત્યાં તૈનાત કર્યા. લાંબી સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટોની શ્રેણી પછી, બંને પક્ષોએ ગયા વર્ષે પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ કાંઠે અને ગોગરા વિસ્તારમાંથી તેમના દળો પાછા ખેંચી લીધા. પેંગોંગ લેક વિસ્તારમાંથી સૈનિકોની પાછી પાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી, જ્યારે ગોગરામાં પેટ્રોલિંગ પોઈન્ટ 17 પરથી સૈનિકો અને હથિયારો પાછલા વર્ષે ઓગસ્ટમાં પાછા ખેંચાયા હતા.

રાહુલ ગાંધી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ આજે મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો હતો. એક અંગ્રેજી અખબારમાં લખવામાં આવેલા ઓપેડમાં તેમણે આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર ચૂંટણીમાં ફાયદા માટે મતદારોનું ધ્રુવીકરણ કરી રહી છે અને સામાજિક સમરસતાને જાણી જોઈને ખલેલ પહોંચાડી રહી છે. મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા આઠ વર્ષમાં દેશની સત્તા મુઠ્ઠીભર રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે. તેનાથી ભારતની લોકશાહી અને સંસ્થાઓ નબળી પડી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે બંધારણીય મૂલ્યો અને સિદ્ધાંતો પર હુમલો કરવામાં આવી રહ્યો છે.