કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે જો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન અને છત્તીસગઢની જેમ ગુજરાતમાં પણ જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં આવશે.

કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢી રહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારે વૃદ્ધોને સ્વાવલંબીમાંથી નિર્ભર બનાવી દીધા છે. દેશને મજબૂત કરનારા સરકારી કર્મચારીઓને જૂનું પેન્શન મળવું એ તેમનો અધિકાર છે.

અગાઉ 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન આઠ જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના ખેડૂતોને મફત વીજળી પૂરી પાડવા, 10 લાખ નવી નોકરીઓનું સર્જન, 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર, સામાન્ય ગ્રાહકો માટે 300 યુનિટ સુધીની મફત વીજળી, 3000 અંગ્રેજી માધ્યમની શાળાઓ અને છોકરીઓ માટે મફત શિક્ષણનો સમાવેશ થાય છે.

આ પછી ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્માએ પણ સોમવારે ત્રણ જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતના શહેરોમાં જરૂરિયાતમંદોને આઠ રૂપિયામાં ભોજનની થાળી મળશે. રાજ્યમાં મનરેગાની તર્જ પર શહેરી લોકોને 100 દિવસની રોજગારની ગેરંટી અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની છે. આ તમામ યોજનાઓ રાજસ્થાનમાં લાગુ છે.