રાહુલ ગાંધી: એક તરફ રાજસ્થાન કોંગ્રેસમાં અરાજકતા છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ માં બાળકો સાથે ફૂટબોલ રમવાની મજા માણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રસ્તા પર મુસાફરી કરતી વખતે કેટલાક બાળકો સાથે ફૂટબોલ રમતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રવિવારે રાત્રે જે કંઈ પણ થયું તેના પર હવે બધા રાહુલ ગાંધીની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં કોંગ્રેસની બબાલ પર કોઈ ટિપ્પણી કરી નથી. જો કે તેમની સાથે ફૂટબોલ રમતા બાળકોનો વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે તેઓ રાજસ્થાનના રાજકારણથી ચિંતિત નથી.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસની ભારત જોડો યાત્રાને 18 દિવસ થઈ ગયા છે. રાહુલ ગાંધીએ કેરળના પલક્કડ જિલ્લાના શોરાનુરથી આજે તેમની 19 માં દિવસની યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન પાર્ટીના સેંકડો કાર્યકર્તાઓ પણ પગપાળા રાહુલ ગાંધી સાથે જોડાયા હતા. આજે ભારત જોડો યાત્રા લગભગ 13 કિલોમીટરનું અંતર કાપશે અને પટ્ટંબી ખાતે રોકાશે. કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને લખ્યું છે કે યાત્રા ઉત્સાહ સાથે પલક્કડ જિલ્લામાં પ્રવેશી છે.