આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રિલાયન્સ કોવિડની હોસ્પિટલ – જામનગરનું ગાંધીનગરથી ઈ-ઉદઘાટન કરવા જઈ રહ્યા છે. જે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે સાંજે ૫.૧૫ કલાકે જામનગર ખાતેની રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવશે.
આ પ્રસંગે જામનગર ખાતે કૃષિ મંત્રી આર. સી. ફળદુ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, જામનગરના મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, રીલાયન્સ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ આ વર્ચ્યુઅલ ઉદઘાટન દરમિયાન ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અનુરોધનો ત્વરિત પ્રતિસાદ આપતાં આજે આ કોવિડ હોસ્પિટલ ઈ-ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને તમામ સેવાઓ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે અને તેના પરિચાલનનો સંપૂર્ણ ખર્ચે રિલાયન્સ દ્વારા ભોગવવામાં આવશે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12820 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે ૧૪૦ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મુત્યુ નીપજ્યું હતું. તેની સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 7648 પર પહોંચી ગયો છે. આ સિવાય 11999 લોકો કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499 પર પહોંચ્યો છે. જેમાંથી 747 લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ રહેલા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 99,41,391 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,31,820 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,25,73,211 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,272 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 36,177 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 67,368 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.