વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં રાજ્ય હસ્તક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યોને માસિક માનદ વેતન આપવા માંગ કરવામાં આવી છે. લોકોના કામો માટે કચેરીએ આવતા સદસ્યોની સ્થિતિ આર્થિક રીતે નબળી હોય છે. માનદ વેતન કે ભથ્થુ નહિ મળવાથી ગ્રામ પંચાયતોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થાય છે. તમામ તાલુકા, જીલ્લા અને ગ્રામ પંચાયતોના સદસ્યો અને સરપંચોને ઊચ્ચક પગાર મળે તો ભ્રષ્ટાચાર અટકાવી શકાય તેમે તેમને આ પત્ર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને જણાવ્યું છે.

આ ઉપરાંત ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે મુખ્યમંત્રીને વિચારણા હેઠળ લેવા ભલામણ કરી છે. વિઘાનસભામાં આ મુદ્દે ચર્ચા કરવા વિનંતી કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે, મારી સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા છે. આ તમામ ત્રણ ધારાસભ્યો આજે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરશે.

મધુ શ્રીવાસ્તવે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મારા 136, વિધાનસભા મત વિસ્તાર હેઠળની જિલ્લા પંચાયત સદસ્યો/તાલુકા પંચાયતના સદસ્યો તથા ગ્રામ પંચાયતના સરપંચો, સભ્યો કોઈ પણ પ્રકારના પગાર ભથ્થા / માનદવેતન સરકાર તરફથી આપવામાં આવતા નથી. સરપંચોને વેતન ન મળતાં ભ્રષ્ટાચાર કરે છે. સરપંચ સાથે કોન્ટ્રાકટર ગોઠવણ કરી કામો મેળવી લે છે. સરપંચને વેતન મળે તો ભ્રષ્ટાચાર માં ઘટાડો થાય છે.