કોંગ્રેસ પાર્ટીના વચગાળાના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના માતાનું ઇટાલીમાં નિધન થયું છે. કોંગ્રેસ પાર્ટીના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટ કરીને તેમણે જણાવ્યું કે સોનિયા ગાંધીની માતા પાઓલા મૈનોનું 27 ઓગસ્ટ 2022 શનિવારના રોજ ઇટાલીમાં તેમના ઘરે અવસાન થયું હતું. જયરામ રમેશે જણાવ્યું કે ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર થયા.

જણાવી દઈએ કે રાહુલ અને પ્રિયંકા ગાંધી છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વખત તેમના મામાને મળવા ગયા છે. 2020 માં, જ્યારે રાહુલ ગાંધીને તેમના વારંવારના વિદેશ પ્રવાસો પર કેટલીક ટીકાઓનો સામનો કરવો પડ્યો, ત્યારે પાર્ટીએ કહ્યું કે તેઓ “બીમાર સંબંધી” ને મળવા માટે ઇટાલીની ખાનગી મુલાકાતે હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 23 ઓગસ્ટે તેમની બીમાર માતાને મળવા માટે રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી મેડિકલ તપાસ માટે હાલ વિદેશમાં છે. તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે છે.