ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદથી જ કોંગ્રેસમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગાંધીનગરની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી માંથી રાજીનામાં પડવાનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જાકારો મળ્યો છે. રાજ્યમાં મહાનગરપાલિકા બાદ કોંગ્રેસ (gujarat congress) ને નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ જડમૂળથી સાફ થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જયારે રાજ્યમાં સર્વત્ર કેસરિયા લહેરાયો છે.

ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી છે. જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું રાજીનામું આપ્યું છે, જેને હાઇકમાન્ડે સ્વીકાર કરી લીધું છે. ત્યારે હવે આગામી સમયમાં નવા વિપક્ષ નેતા અંગે વિચારણા કરવામાં આવશે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. AICC એ ગુજરાત કોંગ્રેસનું ગૂંચવાયેલું કોકડું હાથ ઉપર લીધું છે.

ગઈકાલે રાત્રે અચાનક હાઈકમાન્ડ દ્વારા નવા પ્રભારીની નિમણુંક કરવામાં આવી હતી. ગુજરાત નવા પ્રભારી કોંગ્રેસના રઘુ શર્મા બન્યા છે. હવે નવા નેતા વિપક્ષ અને પ્રદેશ અધ્યક્ષની નિમણુંક કરાશે.પ્રદેશ અધ્યક્ષની કમાન સિનિયર નેતાને સોંપે તેવી શક્યતા સેવાય રહી છે.

ત્યારે ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નવા પ્રદેશ પ્રમુખને લઇ સેન્સ લીધી છે. નવા ત્રણ નેતાઓએ પ્રદેશ અધ્યક્ષ પ્રમુખ માટે દાવેદારી કરી છે. કનુ કળસરિયા, નરેશ રાવલ અને મનહર પટેલે આ પદ માટે દાવેદારી કરી છે. અધ્યક્ષ બનવા માટે પ્રભારી અને હાઇકમાન્ડ સામે દાવેદારી કરનાર નેતા કનુ કળસરિયાએ જણાવ્યું હતું કે, પાર્ટી મને મોકો આપે તો મારી પાસે રોડમેપ તૈયાર છે.