નેશનલ હેરાલ્ડ કેસમાં EDની તપાસનો સામનો કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે જણાવ્યું છે કે, ED અને આવી એજન્સીઓ મારા પર દબાણ ન કરી શકે. “મારી પૂછપરછ કરી રહેલા અધિકારીઓ પણ સમજી ગયા હશે કે, કોંગ્રેસ નેતાને ડરાવી-ધમકાવી શકાય નહીં,” કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ભાજપ દેશની સેનાને નબળી કરી રહી છે.

વાસ્તવમાં, ED ની પૂછપરછ અને અગ્નિપથ યોજનાને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસે આજે પાર્ટી હેડક્વાર્ટરમાં તમામ સાંસદો અને ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. સભાને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પાંચ દિવસની પૂછપરછ દરમિયાન એકતા દર્શાવવા બદલ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ED દ્વારા તેમની પૂછપરછ એ “નાનો મામલો” છે કારણ કે બેરોજગારી અને ‘અગ્નિપથ’ યોજના આજના સૌથી તાકીદના મુદ્દાઓ છે. તેમણે કહ્યું કે, ‘મારો કેસ નાનો છે. પ્રમાણિક બનવા માટે, તે જરૂરી પણ નથી. આજે સૌથી મહત્વની બાબત છે રોજગાર. લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો દેશની કરોડરજ્જુ છે. નરેન્દ્ર મોદીજીએ આ કમર તોડી નાખી છે. આ વાત હું મહિનાઓથી કહી રહ્યો છો.

ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ પોતાને રાષ્ટ્રવાદી કહે છે અને સેનાને કમજોર કરવામાં લાગેલા છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ અગ્નિપથ યોજના પાછી ખેંચવી પડશે. ભારતના યુવાનો જાણે છે કે, રાષ્ટ્રને મજબૂત કરવા માટે સાચી દેશભક્તિ જરૂરી છે. અમે ખાતરી કરીશું કે આ યોજના રદ કરવામાં આવે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આપણા યુવા આર્મી, એરફોર્સ, નેવીમાં ભરતી થવા માટે રોજ દોડે છે, હું તેમને કહું છું કે, ભારતના વડાપ્રધાને આ દેશની કમર તોડી નાખી છે, આ દેશ હવે પોતાના યુવાનોને રોજગારી આપી શકશે નહીં ભલે સરકાર ગમે તે કરી લે. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, અમે ખેડૂતો વિશે કહ્યું હતું કે, તેમને આ બિલ પાછું ખેંચવું પડશે. હવે કોંગ્રેસ પાર્ટી કહી રહી છે કે, પીએમ મોદીએ આ અગ્નિપથ યોજના પાછી લેવી પડશે. ભારતનો દરેક યુવક અમારી સાથે ઉભો છે.

રાહુલે કહ્યું કે, ભાજપ પહેલા ‘વન રેન્ક, વન પેન્શન’ની વાત કરતી હતી પરંતુ હવે ‘ન રેન્ક કે પેન્શન’ નથી. યુવાનો સખત મહેનત કરશે અને તેમના ઘરે પાછા જશે. નિવૃત્તિ પછી તેને કોઈ નોકરી નહીં મળે.