વડોદરા શહેરના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે શાલીની અગ્રવાલની નિયુક્તિ કરવામાં આવી છે. જે વડોદરા કલેક્ટરની જવાબદારી બાદ હવે મ્યુનિસિપલ કમિશ્નર બન્યા છે. નવા કલેક્ટર ની નિયુક્તિ થતા સુધીમાં બંને જવાબદારી શાલીની અગ્રવાલ જ અદા કરશે. મ્યુનિસિપલ કમિશ્નર પી.સ્વરૂપની ગાંધીનગર રેવન્યુ વિભાગમાં સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. મોડી સાંજે રાજ્ય સરકાર દ્વારા 26 IAS ની બઢતી સાથે બદલીના આદેશ કરવામાં આવ્યા છે.

રાજ્ય વિધાનસભાના બજેટ સત્રથી સીનિયર આઈએએસ ઓફિસરોની બદલીના ભણકારા વાગતાં હતા પરંતુ, દરમ્યાન કોરોનાની બીજી લહેરે કહેર વર્તાવવાના કારણે તે રોકાઈ હતી. હવે, સરકારે ૯મીના બુધવારની મોડી સાંજે ૨૬ સિનિયર આઈએએસ ઓફિસરોની બદલી કરી છે. જેમાં ૮ અધિકારીઓને તો બઢતી આપવામાં આવી છે.

કોરોના કાળમાં મહત્વની જવાબદારી અદા કરનાર વન-પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાની સેવાની કદર કરીને તેમને ઉધોગ-ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરના પદે શાલીની અગ્રવાલને સુપર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને નિયુક્તિ આપવામાં આવી છે. જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નર સ્વરુપ પી.ને બદલીને મહેસુલ વિભાગમાં જમની સુધારણા કમિશ્નર પદે મૂકવામાં આવ્યા છે. એવી જ રીતે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છઆનિધિ પાનીને પણ સુપર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને તે જ જગ્યાએ રાખવામાં આવ્યા છે.