TMC સાંસદ મહુઆ મોઇત્રા સાડી-સ્પોર્ટ શૂઝમાં ફૂટબોલ રમતા જોવા મળ્યા

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા એ સોમવારે કૃષ્ણનગર એમપી કપ ટુર્નામેન્ટમાં સાડીમાં ફૂટબોલ રમતાની તસ્વીર શેર કરી છે. મોઇત્રા દ્વારા ટ્વિટર પર અપલોડ કરેલી તસ્વીરોમાં તે સ્પોર્ટ્સ શૂઝ અને સનગ્લાસ સાથે લાલ-નારંગી સાડીમાં જોવા મળી રહ્યા છે. પ્રથમ તસ્વીરમાં તે બોલનો પીછો કરતા અને તેને લાત મારતા જોવા મળે છે. અન્ય એક તસ્વીરમાં તે ગોલપોસ્ટ પર ગોલકીપરની ભૂમિકામાં ગોલને રોકતા પણ જોવા મળે છે. ટ્વિટર પર આ તસ્વીર શેર કરતા TMC સાંસદે લખ્યું છે કે, “કૃષ્ણનગર એમપી કપ ટુર્નામેન્ટ 2022ની ફાઈનલની રમૂજી ક્ષણ. અને હા, હું સાડીમાં રમું છું.”
ટીએમસી સાંસદને સાડીમાં ફૂટબોલ રમતા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પ્રભાવિત થયા હતા. જેમાંથી એક ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી પણ હતા. એક યુઝરે લખ્યું કે આ અદ્ભુત છે, તમે ખૂબ જ પ્રશંસનીય છો. બીજાએ કહ્યું કે ફૂટબોલ અને સાડી મુશ્કેલ સ્પર્ધક છે પરંતુ તમે તેને સરળ બનાવી દીધું છે. રમતગમત અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપતા કેટલાક રાજકારણીઓને જોઈને આનંદ થયો છે.
તમને જણાવી દઈએ કે, આ પ્રથમ વખત નથી જ્યારે સાંસદ મહુઆ મોઇત્રા ફૂટબોલ મેદાન પર સાડીમાં જોવા મળ્યા હોય. આ અગાઉ, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે ખેલા હોબે દિવસની ઉજવણી કરી હતી અને રમતને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર પશ્ચિમ બંગાળમાં મેચોનું આયોજન કર્યું ત્યારે તેણે ફૂટબોલ રમતા પોતાના ફોટા શેર કર્યા હતા.